# Tags

જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને મળી.

સુરત જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નોનું સમયમર્યાદામાં અને સંતોષકારક નિવારણ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.


બેઠકમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ સુરત જિલ્લાના માર્ગો પર થતા અકસ્માતોના નિવારણ માટે સ્પીડ બ્રેકરમાં વ્હાઈટ પટ્ટાઓ, ઝીબ્રા ક્રોસિંગ, રોડ માર્કિંગ કરવાની રજુઆત કરી હતી. આ ઉપરાંત કીમ-માંડવી રોડની મંદગતિએ ચાલતી કામગીરી તથા રોડ પર પડેલા ખાડાઓના પેચવર્ક કરવા તેમજ માંડવી નગરથી કીમ રોડ પર જકાતનાકા પાસે આવેલ ગરેડીયા નાકાના જર્જરિત પુલને સ્થાને નવો પુલ બનાવવાની રજુઆત કરી હતી. જે સંદર્ભે સંબધિત અધિકારીઓ તાત્કાલિક ધોરણે કામગીરી પુર્ણ કરવામાં આવશે તેમ, જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં રમતગમત પ્રત્યે રૂચી તથા ખેલભાવના ઉદભવે તે માટે અદ્યતન જિલ્લાકક્ષાનું સ્પોર્ટસ સંકુલ, સ્વીંમીગ પુલનું નિર્માણ કરવા જણાવ્યું હતું. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ સંબધિત વિભાગને આદિજાતિ વિભાગને દરખાસ્ત કરવા જણાવ્યું હતું. રોડ પર ડ્રાઈવિંગ કરતા યુવાનો તથા વાહન ચાલકો દ્વારા ડ્રાયવિંગના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે પગલા ભરવાની રજુઆત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેકટરોમાં રીફલેકટર લગાવવામાં આવે તે બાબતની રજુઆત કરી હતી.
ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટિલે લિંબાયત વિધાનસભામાં આવેલા વોર્ડ નં.૨૭, નવાગામ, ડીંડોલી ખોડલકૃપા, નરોત્તમનગર મેઈન રોડ પર રસ્તામાં વચ્ચોવચ્ચ હોવાથી જી.ઈ.બી.ના હાઈટેન્શન ટાવરના કારણે અકસ્માતો સર્જાતા હોવાથી ટાવર ખસેડવા રજૂઆત કરી હતી. જે બાબતે આગામી સમયમાં સંયુકત મીટીંગ દ્વારા ઉકેલ લાવવામાં આવશે.
ધારાસભ્ય મનુભાઈ પટેલની લેખિત રજુઆત મુજબ રાશનકાર્ડમાં સુધારા-વધારા માટે પ્રજાને પડતી મુશ્કેલીઓ, પાંડેસરાની ભેદવાડ ખાડીમાં કેમીકલયુકત પાણી છોડવા બાબતે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય તેના નિવારણ માટે યોગ્ય કરવા તેમજ કલ્યાણકુટીર, ગાંધીકુટીર, વિજયાનગર પસાર થતી હાઈટેન્સન લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની રજુઆત અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે ભેદવાડ ખાડીની બંને બાજુએ દબાણો હટાવવાની પ્રોટેકશન વોલ અથવા તો અંડરગ્રાઉન્ડ બોક્ષથી બંધ કરવાની રજુઆત કરી હતી. ઉધના વિસ્તારની સોસાયટીઓમાં ઝડપી પ્રોપટીકાર્ડ કાર્ડ બને તે માટેની લેખિત રજુઆત કરી હતી.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ આગામી તા.૧૬મી ડિસેમ્બર-૨૦૨૩ સુધી સ્વચ્છતાને લગતી પ્રવૃત્તિઓ અંગે જે તે વિભાગોએ કરવાની થતી પ્રવૃત્તિઓ અંગેની વિગતો આપી હતી.
બેઠકમાં બાકી પેન્શન કેસો, બાકી સરકારી વસુલાત, એજીના પારા, પડતર કાગળોનો ઝડપી નિકાલ, ખાતાકીય તપાસના કેસો અંગે સંબધિત વિભાગોને ઝડપી નિકાલ કરવાની સુચના આપી હતી.
સંકલન બેઠકમાં રાજયના મુખ્ય સચિવશ્રી દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ પ્રાકૃતિક ખેતી સંદર્ભે ખેડૂતોમાં જાગૃતિ લાવવા “ધરતી કરે પુકાર ” શિર્ષક હેઠળ રાજય, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાના યોજાતા કાર્યક્રમોમાં આરતી, નૃત્ય નાટિકા- નાટક ના દ્રશ્ય-શ્રાવ્ય દ્વારા રજૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
બેઠકમાં સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટિલ, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, પ્રાંત અધિકારીઓ, સુરત મનપા અને જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *