સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ તાલુકા મથકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં ૨૪૨ ગુનાઓમાં પકડાયેલા રૂ.૮૯.૨૧ કરોડની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને હાથોહાથ પરત કરાયો હતો.
કામરેજની રામકબીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધન કરતા ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ હક્કો સરળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાથી કામગીરી કરી રહી છે. કોઈ પણ નાગરિકોને પોતાની ચોરાયેલી, અસામાજિક તત્વો પાસે ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે, પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમો યોજીને ‘તમારી ચીજો છે, તમને જ મળે’ એવી ભાવનાથી ચીજવસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી રહી છે.
રાજ્યભરમાં નાનાથી લઈને મોટા ગુન્હાઓમાં પોલીસ દ્વારા ત્વરિત અને દાખલારૂપ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત અને જિલ્લા પોલીસ ડ્રગ્સના દુષણને ડામવા માટે પણ ઉદાહરણીય કાર્ય કરી રહી છે. કાયદો અને ન્યાય વ્યવસ્થાને સુદ્રઢ કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાનો અનુભવ થાય એવા પ્રયાસો સરકારે કર્યા છે.
ગૃહરાજ્યમંત્રીએ દરેક પરિવારના વડીલોને અનુરોધ કરતા કહ્યું કે, તમારા સંતાનો વાહન ચલાવતી વેળાએ હેલ્મેટ પહેરે તેની તકેદારી રાખજો. દરેક વ્યકિત પોતાના જીવનની સાથે પરિવારજનો પણ સુરક્ષિત રહે તે માટે હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. જિલ્લા પોલીસને નેશનલ હાઈવે પરના ડાર્ક ઝોન આઈડેન્ટીફાઈ કરીને અકસ્માતોને અટકાવવા માટેની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને ન્યાય મળે, અંત્યોદય થાય અને માલિકીની ચીજો પરત મળે તે માટે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમો યોજી રહી છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ ક્ષેત્રે અનેક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. રાત-દિવસ જોયા વિના પ્રજાની રક્ષા માટે કાર્ય કરતી પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.