# Tags

ધો.૯ પાસ વૈશાલીબહેન મિસ્ત્રીએ આત્મનિર્ભર મહિલા તરીકે આર્થિક ઉન્નતિના શિખરો સર કર્યા

સુરત જિલ્લાના આર્થિક વિકાસમાં ખેતીવાડીની સાથે પુરક વ્યવસાય એવા પશુપાલન ક્ષેત્રનો પણ સિંહફાળો રહેલો છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વડોલી ગામના માત્ર ધો. ૯ સુધી જ અભ્યાસ કરેલા વૈશાલી મિસ્ત્રીએ સ્ત્રી-સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું છે. આ મહિલા પશુપાલનના વ્યવસાયથકી વર્ષ દહાડે કરોડોની કમાણી કરી રહ્યા છે. તેમણે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂા.૮૮ લાખનું દૂધ ભર્યું છે.
વૈશાલીબહેન મિસ્ત્રી કહે છે કે, હું સુરત શહેરમાં મોટી થઈ. પણ મારા લગ્ન ૨૦૦૨માં વડોલી ગામે થયા. મારી પાસે પશુપાલનનો કોઈ અનુભવ ન હતો. અમારા ઘરે પરંપરાગત રીતે ૧૦- ૧૨ પશુઓના નાના તબેલામાં સાસુ-સસરા પશુપાલન સંભાળતા હતા. શરૂઆતમાં મે સવારે ઉઠીને પશુઓ દોહવાથી લઈને વાંસીદુ કરવા, ચારો, પાણી પાવું સહિતનું બધુ કામ શીખી લીધું. તમામ કામમાં ફાવટ આવી જતા મારા પતિની મદદથી ધીમે ધીમે પશુઓની સંખ્યા વધારતા ગયા. ૨૦૦૭થી મોટા પાયા પર પશુપાલન કરવાની શરૂઆત કરી. સુરતની સુમુલ ડેરી પાસેથી પશુઓ ખરીદવા માટે સમયાંતરે ત્રણ વાર લોન સહાય મેળવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
રોજનો દૈનિક ત્રણથી ચાર ટન ચારો જોઈએ છે જે પોતાની જમીન તથા આસપાસના ગામોમાંથી ખરીદીને લાવવો પડતો હોવાનું જણાવતા તેઓ ઉમેરે છે કે આજે અમારા કામધેનુ ડેરી ફાર્મમાં ૧૪૦ પશુઓ છે. જેમાં ૫૫ ગાયો તથા ૮૦ જેટલી બન્ની ભેંસો છે. હાલમાં રોજનું ૪૫૦ થી ૫૦૦ લીટર દૂધ સુમુલ ડેરીની વડોલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભરીયે છીએ. કોરોનાકાળમાં માણસો નહીં મળતા ઘરના સભ્યો સાથે જાતે ચારો કાપવા પણ જતા હતા.


તેમના ખેતરમાં પશુઓ માટે શેડ બનાવવામાં આવ્યો છે. પશુઓને પીવા માટે શુદ્ધ પાણી અને ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાકી ગમાણના લીધે ખોરાકનો બગાડ થતો નથી. પશુઓને નિરણ માટે આપવામાં આવતા લીલા અને સૂકા ઘાસચારાને કાપવા માટે રૂા.૧.૫૫ લાખના ખર્ચે મોટર સંચાલિત ચાફકટરની ખરીદવામાં આવી છે. જેમાં રાજય સરકારની ૩૫ ટકા સબસીડી પણ મળી છે.
વીજળીની અસુવિધા હોય ત્યારે ડેરી ફાર્મનું કામ અટકે નહીં તે માટે ડિઝલ સંચાલિત જનરેટરની વ્યવસ્થા કરી છે. ઉનાળાની ગરમીની સિઝનમાં પશુઓને ગરમીથી રક્ષણ મળે તે માટે પંખાની વ્યવસ્થા છે. તેઓના ફાર્મમાં સાતથી આઠ વ્યકિતઓને પણ રોજગારી આપી રહ્યા છે. પશુપાલનના પડકારો વિશે વાત કરતા તેઓ કહે છે કે, હાલમાં મોધુ ખાણદાણ, ચારો તથા માનવબળ મળવું મુશ્કેલ થઈ ગયું છે. જેથી ઘણીવાર અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.


તેઓ વધુમાં કહે છે કે, વર્ષ ૨૦૧૫-૧૬માં અમોએ દૂધમાંથી શિખંડ બનાવીને ઘર બેઠા વેચવાની શરૂઆત કરી. જેમાં આસપાસના ગામ લોકોનો સારો એવો પ્રતિસાદ મળતા ૨૦૧૮માં ઘારી, પેડા, બાંસુદી જેવી અનેક મીઠાઈઓ બનાવવાની શરૂઆત કરી. આજે અમારી ગોકુલ શિખંડ એન્ડ સ્વીટ બ્રાન્ડ તરીકે નામ પ્રસ્થાપિત થઈ છે. આજે અમારી મીઠાઈઓમાં ગુણવત્તાની ખાત્રી મળતી હોવાના કારણે લગ્ન કે અન્ય મોટા પ્રસંગોએ આસપાસના ગામોમાંથી તેમજ સુરત શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર આવે છે. આમ, દૂધમાંથી અન્ય બનાવટો તૈયાર કરી, દૂધનું મૂલ્યવર્ધન કરીને વૈશાલીબહેન આજે લાખોની કમાણી કરી રહ્યા છે. તેમના પતિ પ્રકાશભાઈ પણ આ વ્યવસાયમાં પૂર્ણ સહયોગ સાથે કાર્ય કરી રહ્યા હોવાનું તેઓ જણાવે છે.


પશુપાલનના વ્યવસાયમાં શ્રેષ્ઠ કામગીરી માટે વૈશાલીબેન મિસ્ત્રીએ અનેકવિધ એવોર્ડસ મેળવ્યા છે. વૈશાલીબેનને ૨૦૨૧માં ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ.- આણંદ (અમૂલ) દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુમુલ ડેરી દ્વારા પણ તેઓને સન્માનિત કરાયા હતા. આમ, પશુપાલનના વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખુબ સરસ રીતે વિકસાવીને અન્ય બહેનો માટે પ્રેરણારૂપ બન્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *