નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેર તાલુકાના મોહાડી ગામના દર્દીનું થાપાના ગોળાનું ઓપરેશન કરી દસ દિવસમાં ચાલતા કર્યા છે. દર્દીએ સાંસદશ્રી સી.આર.પાટીલના પુત્રી ભાવિની પાટીલનો મદદ માટે સંપર્ક કર્યો હતો, જેથી ભાવિની રામ પાટીલે સિવિલ તંત્રનો સંપર્ક સાધી દર્દીને સિવિલમાં દાખલ કરાવ્યા હતા. અને ઓપરેશન બાદ સ્વસ્થ થઈ જાય ત્યાં સુધી મદદ કરી હતી. સિવિલના તંત્રવાહકોએ ‘આયુષ્માન કાર્ડ ન હોય તો પણ સિવિલમાં નિ:શુલ્ક સારવાર થઈ જશે’ એવા અભિગમ સાથે દર્દીને સિવિલમાં સારવાર માટે આવવા જણાવ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી ૨ થી ૨..૫૦ લાખ થાય એમ હતી, એ નવી સિવિલમાં નિ:શુલ્ક થતાં મરાઠી પરિવારને મોટી આર્થિક રાહત થઈ છે.
મહારાષ્ટ્રના ૪૬ વર્ષીય દર્દી વિકાસ બાબુલાલ બાવસ્કર પૂણેમાં લેથ મશીન વર્કશોપમાં મજૂરી કરે છે. વર્ષ ૧૯૯૯માં ફેસિયલ પાલ્સી (ચહેરાનો લકવો) થયો હતો. તાજેતરમાં તેમને થોડા દિવસોથી ચાલવામાં દુઃખાવો અને નસો ખેંચવાની સમસ્યા સર્જાતી હતી. સી.આર.પાટીલના પુત્રી શ્રીમતી ભાવિની પાટીલ મોહાડી ગામના પૂર્વ સરપંચ અને હાલ ગ્રામ પંચાયતના સભ્ય છે. તેમના પતિ રામ પાંડુરંગ પાટીલ જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય, આરોગ્યલક્ષી મદદ કરે છે. તેઓ મુંબઈ, જલગાંવમાં અનેક આરોગ્ય સેવાકેમ્પો કરવા માટે જાણીતા છે. જેથી વિકાસભાઈએ ભાવિની પાટીલને મળી પગની સમસ્યા વિષે જણાવ્યું હતું, નબળી આર્થિક સ્થિતિના કારણે ખાનગી હોસ્પિટલમાં થતો રૂ. ૨ થી ૨.૫૦ લાખનો માતબર ખર્ચ પોસાય એમ ન હોવાથી પોતાની ટૂંકી આવક અને નબળી આર્થિક સ્થિતિ હોવાથી સારવાર માટે મદદ કરવા અરજ કરી હતી. જેથી ભાવિની પાટીલે સુરત સિવિલ તંત્રના સહયોગથી દર્દીના થાપાના ગોળો બદલવાના સફળ ઓપરેશનમાં સહાયરૂપ બન્યા હતા. ઓપરેશનના ત્રીજા દિવસે જ તેઓ વોકરની મદદથી ચાલવા લાગ્યા હતા. સિવિલમાં એમ.આર.આઈ., દવા તેમજ ઓપરેશન સહિત તમામ સારવાર નિ:શુલ્ક થતા દર્દીના પરિવારને આર્થિક બોજમાંથી મુક્તિ મળી હતી.
સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર તેમજ સિવિલના ઓર્થો. વિભાગના વડા ડો.હરિ મેનનના માર્ગદર્શન હેઠળ યુનિટ હેડ ડો.મનિષ પટેલ, ડો.હાર્દિક સેઠી, ડો.અમન ખન્ના અને ડો.હાર્દિક ભાડજની ટીમે સફળ શસ્ત્રક્રિયા કરીને વિકાસભાઈને પગની પીડામાંથી મુક્તિ આપી સ્વસ્થ કર્યા છે.
વિકાસભાઈએ આનંદિત થઈને જણાવ્યું કે, મારા પરિવારમાં પત્ની, ૧૮ વર્ષીય પુત્રી અને ૧૪ વર્ષીય પુત્ર છે. મહિને રૂ.૧૫ હજારની આવક છે. થાપાના દુ;ખાવા માટે મુંબઈ, ભુસાવલ, પૂણેના તબીબોની દવા લીધી હતી. પરંતુ ઓપરેશનની મોટી રકમ ચૂકવવા સક્ષમ ન હતા, ત્યારે આવી સ્થિતિમાં ભાવિની પાટિલ તેમની વ્હારે આવ્યા હતા. સુરત સિવિલના સેવાભાવી તબીબોએ મને સંપૂર્ણ સ્વસ્થ કર્યો છે. તબીબો, આરોગ્ય- નર્સિંગ સ્ટાફનો સંપૂર્ણ સહકાર મળ્યો છે. મારા પર કોઈ આર્થિક ભારણ નથી પડ્યું, અને લાંબી પીડામાંથી મુક્ત થયો છું એમ જણાવી દિલથી મદદ કરવા ભાવિનીબેન અને સાંસદશ્રી સી.આર.પાટિલનો આભાર વ્યક્ત કર્યો હતો.
સિવિલના ઓર્થો. વિભાગના વડા ડો.હરિ મેનને જણાવ્યું હતું કે, નવી સિવિલના હાડકા વિભાગમાં દરરોજ સરેરાશ ૨૦૦ થી વધુ દર્દીઓ દાખલ રહે છે. દરરોજ ૧૦ થી ૧૫ હાડકાના રોગોના નવા દર્દીઓ દાખલ થતા હોય છે. સિવિલમાં વર્ષે ૧૫૦ જેટલા થાપાના ગોળાનું પ્રત્યારોપણ કરવામાં આવે છે, ૨૪ X ૭ ઓપરેશન શરૂ જ રહે છે. ઓપરેશન જેનો ખાનગી હોસ્પિટલમાં રૂ.બે થી ત્રણ લાખનો ખર્ચ થતો હોય છે. એક ગોળાની કિંમત ૧ લાખથી રૂ.૨.૫૦ લાખ જેવી થતી હોય છે, જે અમે વિનામૂલ્યે પ્રત્યારોપિત કરીએ છીએ. એટલે જ, અહી સારવાર મેળવવા આસપાસના રાજ્યોમાંથી પણ દર્દીઓ આવે છે.
આમ, દક્ષિણ ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર-શુશ્રુષામાં નવી સિવિલ હરહંમેશ અગ્રેસર રહી છે. દક્ષિણ ગુજરાત સહિત આસપાસના રાજ્યો, સરહદી વિસ્તારોમાંથી પણ દર્દીઓ નવી સિવિલમાં સારવાર અર્થે આવે છે. લાખો દર્દીઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાના ઓપરેશનો, સારવારનો નિ:શુલ્ક લાભ મેળવે છે. તેઓ ઉત્તમ સારવાર મેળવી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે છે. મહારાષ્ટ્રના વિકાસભાઈને મળેલી સમયસર અને યોગ્ય સારવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.