# Tags

સમગ્ર રાજ્યમાં વીર નર્મદ યુનિવર્સિટીના સૌથી વધુ 93 જેટલા વિદ્યાર્થીઓની SHODH યોજનામાં પસંદગી

સમગ્ર રાજ્યની માન્ય યુનિવર્સિટીઓમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ સાથે સંકળાયેલા સૌથી વધુ ૯૩ જેટલા વિદ્યાર્થીઓની SHODH યોજનામાં પસંદગી થઈ છે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે રાજય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. રાજયના વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવવા, પ્રોત્સાહિત કરવા માટે સરકારનો વધુ એક ઉમદા અને ઐતિહાસિક પ્રકલ્પ એટલે SHODH-ScHeme Of Developing High quality research છે. આ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા હોય એવા Ph.D. કરનાર વિદ્યાર્થીને બે વર્ષ સુધી દર મહિને રૂ.૧પ,૦૦૦ નું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત, પીએચ.ડી.ના વિદ્યાર્થીને આનુષંગિક ખર્ચ માટે વાર્ષિક રૂ.ર૦,૦૦૦ આપવામાં આવે છે. આમ, Ph.D. કરનાર વિદ્યાર્થીને ગુજરાત સરકાર 4 લાખ રૂપિયા સ્ટાઈપેન્ડ પેટે આપે છે. આ યોજનાથી રાજ્યમાં રિસર્ચના ક્ષેત્રમાં બહુ મોટો બદલાવ આવી રહ્યો છે.
નર્મદ યુનિ.ના ૨૩ વિદ્યાર્થીઓ અને ૭૦ વિદ્યાર્થીનીઓ એમ કુલ ૯૩ વિદ્યાર્થીઓને ૨ વર્ષમાં રૂા.૩.૭૨ કરોડની સહાય આપવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે આ સહાય ખૂબ જ લાભદાયી થશે. આ મહત્વાંકાંક્ષી યોજનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનની સજ્જતા વધવાની સાથે જ્ઞાનસંપદામાં બહુલક્ષી વૃદ્ધિ થશે. નોંધનીય છે કે, ગત વર્ષે પણ શોધ યોજનામાં લાભ મેળવનાર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સંખ્યા સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ૧૦૪ હતી.
પસંદગી પામેલા અલગ-અલગ ૧૬ વિષયોના વિદ્યાર્થીઓને સહાય મળનાર ,છે જેમાં સૌથી વધુ બાયોસાયન્સ (બોટની, ઝૂલોજી,માઈક્રોબાયોલોજી)ના ૨૨, કેમેસ્ટ્રીના ૧૯, કોમર્સના ૧૬, ઈગ્લીશ-ગુજરાતીના ૩-૩, ફિઝીકસના ૯, ઈતિહાસના ૪ તથા અન્ય વિષયોના મળી કુલ ૯૩ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. જેઓને યુનિ. કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા તથા કુલસચિવશ્રી ડૉ. રમેશદાન સી. ગઢવીએ ઉજ્જવળ કારકિર્દીની તેમજ જનહિતમાં સંશોધન કરી રાજ્યમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં સહભાગી બનવાની શુભકામનાઓ પાઠવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *