કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માંડવી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો આર્થિક રીતે પગભર થાય, ગરીબો આત્મનિર્ભર બને, ગામડું સ્વાવલંબી બનશે તો જ દેશ સમૃદ્ધ બનશે એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે એમ વધુમાં ઉમેર્યું હતું.
દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન છેલ્લા ૧૮ વર્ષથી બંધ વ્યારા સુગરને રૂપિયા ૩૦ કરોડના ખર્ચે ફરી શરૂ કરવામાં આવી છે એમ કહી તેમણે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે બમણી થાય એ માટે સતત પ્રયાસરત છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ખેડૂતોને ખેતીવાડીમાં સુધારેલા બિયારણો અપનાવવા તેમજ પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો સારી સુધારેલી જાતના પશુઓ પસંદ કરે તો સારી આવક મેળવી શકે છે એમ કહી તેમણે પોતાના ખેતી અને પશુપાલન અંગેના અનુભવો ઉપસ્થિત ખેડૂતો સમક્ષ વર્ણવ્યા હતા.
દેશનો કોઈપણ નાગરિક સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય એની ચિંતા પણ સરકારે કરી છે એમ કહી તેમણે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ હવે ઘર આંગણે જ મેળવી શકશે એમ કહી તેમણે ખેડૂતોને આ કૃષિ મહોત્સવ દરમિયાન તજજ્ઞો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી મંત્રીએ પોતે તેમજ અન્યોને પણ સરકારની યોજનાઓ લાભ અપાવવામાં મદદરૂપ થવા હાકલ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવાએ જણાવ્યું હતું કે જો ખેડૂતોએ આવક બમણી કરવી હશે તો ખેતી ખર્ચમાં ઘટાડો કરવો પડશે જેનો સૌથી સારો વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે એમ કહી તેમણે રાજ્ય સરકારની ખેતી અને પશુપાલન અંગેની યોજનાઓની વિગતે છણાવટ કરી હતી. તેમણે સરકારની કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે તંત્ર દ્વારા માર્કેટીંગ વ્યવસ્થા અંગે કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી.
પ્રથમ દિવસે કૃષિ પ્રદર્શન અને કૃષિ પરિસંવાદ જેમાં પ્રાકૃતિક ખેતી અંગે વક્તવ્ય, પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનના ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા વક્તવ્ય અને પ્રશ્નોતરી, બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી અંગે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું વક્તવ્ય યોજાયું હતું.
મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જીલ્લા ખેતીવાડી અધિકારી સતિષભાઈ ગામીતે કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી ઉપસ્થિત ખેડૂતોને રવિ કૃષિપાકો અંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવનાર માર્ગદર્શનનો લાભ લઇ રવિ કૃષિ ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો હતો.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.