કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રીશ્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે ‘ભારત ટેક્સ-૨૦૨૫’ માટે રોડ શો યોજાયો હતો.
ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમના સહયોગથી અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તા.૧૪ થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો યોજાશે, જેમાં એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઈબર, યાર્ન, થ્રેડસ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્કનું પ્રદર્શન થશે, તેમજ ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર & માર્ટ ખાતે ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન એપેરલ, ટેક્ષ્ટાઈલ મશીનરી, કેમિકલ્સ અને ડાઈઝ જેવા ઉત્પાદનોની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, ભારત ટેક્સ-૨૦૨૫ એ વૈશ્વિક કાપડ વેપાર મેળો છે, જે કાચા માલથી લઈને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ સુધીની સમગ્ર વેલ્યુ ચેઈન દર્શાવવાનું માધ્યમ છે. આ એક્સ્પોમાં ભારત પોતાની ટેક્ષ્ટાઈલ ઉદ્યોગની અમાપ ક્ષમતા, સમૃદ્ધિ અને વિવિધતાનું પ્રદર્શન કરશે.
સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું છે એમ જણાવી શ્રી સિંહે ઉમેર્યું કે, અસંગઠિત ક્ષેત્રમાંથી આ ઉદ્યોગ સખ્ત મહેનત અને સૂઝબૂઝથી સંગઠિત થયો છે અને હવે તેજ ગતિએ પ્રગતિના પંથે આગળ વધ્યો છે.
વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને ૩૫૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. તેમણે દેશમાં ૨૦૨૫-૨૬માં કાર્બન ફાઈબર નિર્માણ કરવા તેમજ ટેક્નિકલ ટેક્ષ્ટાઈલમાં ૧૨ થી૧૫ બિલિયન ડોલરની નિકાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
તેમણે ટેક્સટાઈલમાં બ્રાન્ડ ઈન્ડિયાનું નિર્માણ કરવા માટે વસ્ત્ર ઉદ્યોગકારો આગળ આવે એવો મત વ્યક્ત કરતા ઉમેર્યું કે,ભારત ટેક્સ વિશ્વભરના ઉદ્યોગ અગ્રણીઓ, ડિઝાઈનર્સ, પ્રતિનિધિઓ, ખરીદદારો અને ટેક્ષ્ટાઈલ સાહસિકોને એક મંચ પર લાવે છે, ત્યારે સૌને મોટી સંખ્યામાં એકસ્પોમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવ્યું હતું.
કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતનું સુરત શહેર ટેક્ષ્ટાઈલ ઉદ્યોગનું હબ છે, જેથી રાજ્ય સરકારે ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંલગ્ન સુવિધાઓ ધરાવતા સુરત પાસેના નવસારી જિલ્લાના વાંસી બોરસી પર પસંદગી ઉતારી પીએમ મિત્ર પાર્કના નિર્માણ માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી જે સરાહનીય કદમ સાબિત થયું છે. આગામી દિવસોમાં અહીં પાર્ક સાકાર થતા ગુજરાતનું નવસારી તેમજ વાંસી બોરસી ટેક્ષ્ટાઈલ તેમજ ઉદ્યોગ ક્ષેત્રમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે. સાથોસાથ સુરત સહિત રાજ્યના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને નવી ગતિ અને ઉર્જા મળશે.
આ પાર્કના કારણે આશરે ૧ લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે, જેથી કર્મચારીઓ, કારીગરો માટે નવસારીમાં રહેણાંકની વધુ જમીનની જરૂર પડશે જેનું પણ આયોજન રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે એમ શ્રી પાટીલે કહ્યું હતું. તેમણે ઉદ્યોગકારોને રેઈન વોટર હાર્વેસ્ટિંગથી જળસંચયને વેગ આપી ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં સહયોગી બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
ટેક્ષ્ટાઈલ મંત્રાલયના અધિક સચિવશ્રી રોહિત કંસલે જણાવ્યું હતું કે, ભારત ટેક્સ-૨૦૨૫ એ એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઈબર, યાર્ન, થ્રેડસ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્ક, ટેક્ષ્ટાઈલ આધારિત હેન્ડીક્રાફ્ટ્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઈલ જેવા મહત્તમ સેક્ટર્સને પ્રદર્શિત કરશે. આ ઈવેન્ટ ટેક્ષ્ટાઈલમાં ટકાઉપણું અને રિસાયક્લિંગ, વૈશ્વિક સપ્લાય ચેઇન્સ, થીમ આધારિત ચર્ચાઓ અને ઈન્ટરેક્ટિવ ડિસ્પ્લે, ફેબ્રિક ટેસ્ટિંગ ઝોન, ઉત્પાદનોનું પ્રદર્શન અને કારીગરો દ્વારા માસ્ટર ક્લાસનું પ્લેટફોર્મ બનશે. અહીં ટેક્નિકલ ટેક્સટાઈલ અને અન્ય ઘણી નવીન ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ ડિસ્પ્લેમાં હશે.
તેમણે વિશ્વ ફલક પર ટેક્ષ્ટાઈલ સિટી તરીકે પ્રખ્યાત સુરતને ગુજરાતનું પાવરહાઉસ ગણાવી નવી દિલ્હીમાં આ એક્ષ્પોમાં ઉત્સાહથી ભાગ લેવા કાપડ ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મમતા વર્મા, રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી સંદીપ સાગલે સહિત એક્ષ્પોના અગ્રણી સ્પોન્સરો રિલાયન્સ, બિરલા, વેલસ્પન ગ્રુપના પ્રતિનિધિઓ, MATEIXના વાઈસ ચેરમેન શાલિન તોશનીવાલ, ઉદ્યોગ અગ્રણી ધીરજ શાહ, ઉદ્યોગકારો, વ્યાપારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો ભારતના વિવિધતાભર્યા વસ્ત્ર ઉદ્યોગનો શોકેસ બનશે
નવી દિલ્હીમાં ૨.૨ મિલિયન ચોરસ ફૂટથી વધુ પ્રદર્શન કમ ટ્રેડ ફેર વિસ્તારમાં BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો યોજાશે. આ ઈવેન્ટનો ઉદ્દેશ ટોચના નીતિ નિર્માતાઓ, બિઝનેસ સીઈઓ, ટેક્સટાઈલ થિંક લીડર્સ, ઈન્ટરનેશનલ નેટવર્ક્સ, ડિઝાઈનર્સ અને માસ્ટર કારીગરોને આકર્ષવાનો છે. વિશ્વભરના ૫,૦૦૦ થી વધુ એક્ઝિબિટર્સ, ૧૧૦ થી વધુ દેશોના ૬,૦૦૦ વિદેશી ખરીદદારો તેમજ ૧.૨૦ લાખ મુલાકાતીઓ જોડાશે. ૧૨,૦૦૦ પ્રોડક્ટ્સ ડિસ્પ્લે થશે. ચાર દિવસ દરમિયાન ટેક્સટાઈલ ઈકોસિસ્ટમમાં લેટેસ્ટ ટ્રેન્ડસ અંગે ૬૦ જેટલા સેમિનાર- સેશન્સ યોજવામાં આવશે.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.