સુરત : ખાખી પાછળ ધબકતું માનવતાનું હદય, જન્મથી શ્રવણ શક્તિ નહી ધરાવતા બાળકનું પોલીસે ઈમ્પ્લાન્ટ કરાવતા બાળક સાંભળતો થયો,
સુરત પોલીસે ફરી એક વખત માનવતા મહેકાવી છે, જન્મથી શ્રવણ શક્તિ નહી ધરાવતા બાળકના ચહેરા પર પોલીસે મુસ્કાન લાવવાનું કામ કરી બતાવ્યું છે, પશુપાલકનો દીકરો સાંભળતો થાય તે માટે સુરત પોલીસે ઓપરેશન રાજવીર ચલાવ્યું હતું અને પોલીસે એનજીઓની મદદથી જન્મથી સાંભળી નહી શકતા બાળકના મસ્તકમાં ઇમ્પ્લાન્ટેશનની જટિલ સર્જરી કરાવવામાં આવી હતી, ઓપરેશન સફળ થયું હતું અને રાજવીર નામનો બાળક સાંભળતો થયો છે, જોગાનુજોગ પોલીસ સંભારણા દિવસના રોજ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી,
સુરતમાં દરેક પોલીસ સ્ટેશનમાં ”શી ટીમ” કાર્યરત છે, અને આ શી ટીમનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી એડમીન છે અને સુપર વિઝન કરે છે, આ ગ્રુપમાં ક્રાઈમ બ્રાંચના ડીસીપી રૂપલ સોલંકીએ ધૂળેટીના તહેવાર આસપાસ એક મેસેજ કર્યો હતો કે તમારા વિસ્તારમાં જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હોય તેવા પાંચ વર્ષથી નાની ઉમરના બાળકો કે જેમના માતા પિતા આર્થિક રીતે સંપ્પન ન હોય તેવા પરિવારની માહિતી મને મોકલવી, આ મેસેજ રાંદેર પોલીસ મથકના શી ટીમના સભ્ય એવા લોકરક્ષક દયાબેને વાંચ્યો હતો અને મેસેજ બાદ તેઓએ પોતાના વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તારમાં જઈને રૂબરૂ તપાસ કરી હતી, અને તેઓને એક પરીવાર વિષે ભાળ મળી હતી અને તેની માહિતી ડીસીપી રૂપલ સોલંકીને આપી હતી
મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા જિલ્લાના વાગડ ગામના વતની અને હાલમાં સુરતના ઝઘડિયા ચોકડી પાસે કાનાભાઈ ભરવાડ [ઉ.૩૨] તેમની પત્ની ગંગાબેન સાથે વર્ષોથી સુરત શહેરમાં વસવાટ કરે છે કાનાભાઈ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને સંતાનમાં ૪ બાળકો છે, જે પૈકી તેઓને ત્યાં સાતેક વર્ષ પહેલા દીકરી કોમલનો જન્મ થયો હતો, આ દીકરી જન્મ બાદ માતા પિતાના બોલાવવા પર કોઈ પ્રતિભાવ આપતી ન હોય તેની તપાસ કરાવતા તે જન્મથી સાંભળતી ન હોવાનું જાણવા મળ્યું હતું, જયારે તેઓનો ૩ વર્ષીય દીકરો રાજવીર પણ તેઓની દીકરીની જેમ સાંભળતો ન હોય પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, તેઓએ બંને બાળકોની સારવાર માટે તપાસ કરાવી હતી પરંતુ એક બાળકના કાનની સારવાર માટે અંદાજે ૧૮ લાખ જેટલો ખર્ચો થાય તેમ બધેથી જાણવા મળ્યું હતું, પરંતુ પરિવાર આર્થિક રીતે સદ્ધર ન હોવાથી આખરે બધું નસીબના ભરોસે છોડી દીધું હતું,
હવે આ પરિવારને ક્યાં ખ્યાલ હતો કે વર્ષ ૨૦૨૩ના વર્ષનો ધૂળેટીનો રંગોત્સવ તેમના પરિવાર માટે આનંદનો ઉત્સવ થઈને આવશે અને તેમાં નિમિત બનશે, લોકરક્ષક દયાબેનના મેસેજ બાદ ડીસીપી રૂપલ સોલંકીએ રાંદેર પોલીસ મથકના પીઆઈ અતુલ સોનારાનો સંર્પક કરીને સમગ્ર કન્સેપ્ટ સમજાવ્યો હતો અને તેઓએ સુરત શહેરના સીટીલાઈટ વિસ્તારમાં આવેલા સુદીપ હોસ્પિટલ કે જ્યાં આ પ્રકારના બાળકોની સારવારમાં માહિર છે તેના માનવતાવાદી ડો. પ્રયત્નકુમાર અને ટીમનો સંર્પક કર્યો હતો અને સારવારની બધી વિગતો મેળવી તથા ખર્ચની માહિતી મેળવી હતી જેમાં એક કાનની સારવાર માટે નાનુ એવું ઈઅર મશીન ૬ લાખ ૫૦ હજાર, ડોક્ટરના ઓપરેશનની ફી દોઢ લાખ, બાળકને દસેક દિવસ હોસ્પિટલમાં દાખલ રહે તેનો અંદાજીત ખર્ચ ૧ લાખ, સીટી સ્કેન અને બીજા બધા રીપોર્ટ બધું મળીને અંદાજીત ૧૦ લાખની આસપાસ એક કાનની સારવારનો ખર્ચ થાય તેમ હતો,
અહી ડીસીપી રૂપલ સોલંકીએ પોતાની દુરદંશી તથા અનુભવ આધારે માનવતાવાદી અભિગમ માટે સંકલન કરવાનું ચાલુ કર્યું હતું અને મુંબઈની શ્રવ્ય નામની એનજીઓનો સંર્પક કર્યો હતો અને પરિવારના અમુક પુરાવાના આધીન તેમજ ટ્રસ્ટના નિયમો મુજબ મશીન માટે રાજી કર્યા હતા અને ડોકટર પણ પોલીસના આ માનવતાભર્યા અભિગમમાં સાથ આપી પોતાની ઓપરેશન ફી લેવાની ના કહી દીધી હતી,
આમ ડીસીપી રૂપલ સોલંકી, રાંદેર પી આઈ અતુલ સોનારા, ડીસીપી ઝોન-૫ અતુલ બારોટ, લોક રક્ષક દયાબેન, અ.પો.કો.નયનાબેન, વું. લોકરક્ષક અસ્મીતાબેન તેમજ પીએસઆઈ બી,એસ પરમાર સહિતની ટીમ બનાવી રાજકુંવર જેવો દેખાતો રાજ્વીજ સાંભળતો થાય તે માટે ઓપરેશન રાજવીરની તૈયારી ચાલુ કરી દીધી હતી, અહી એક મુસ્બિત હતી કે આ પરિવાર પાસે આધાર કાર્ડ પણ હતું નહી જેથી રાંદેર પીઆઈએ તાત્કાલિક કાર્યવાહી કરાવી જરૂરી ઓળખના પુરાવા કઢાવવા મદદ પણ કરી હતી, આ બાદ ડે ટુ ડે સારવાર, જરૂરી રીપોર્ટ, દવાદારૂના નાના મોટા ખર્ચ, જવું આવવું તે સમગ્ર મામલે રાંદેર પીઆઈ તથા ટીમે રાજવીર માટે એક પરિવારની જેમ ભૂમિકા ભજવી હતી,
આખરે ગ.૧૫-૧૦-૨૦૨૩ ના રોજ રાજવીરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, રાજવીરના મસ્તકમાં ઇમ્પ્લાટેનશનની જટિલ સર્જરી કરવામાં આવી હતી જે સફળ રહ્યું હતું, જોગાનુજોગ ગત તા.૨૧ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ વહેલી સવારે શહીદ થયેલા પોલીસોની યાદમાં પોલીસ સંભારણા દિવસે શહીદોને સલામી અપાઈ રહી હતી તે જ દિવસે રાજવીરના સફળ ઓપરેશન બાદ તેને રજા આપવામાં આવી હતી, વ્હાલસોયો દીકરાની સારવાર થઈ જતા પરિવારની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને ઓપરેશન રાજવીર સાથે જોડાયેલા તમામ માટે આ માનવતાનું કાર્ય એક સુખદ સાંભરણું બની ગયું હતું.
આ અંગે ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે અમારી શી ટીમનું એક ગ્રુપ છે જેમાં આખા શહેરની બધા જ પોલીસ સ્ટેશના શી ટીમના અધિકારીઓ તેમ છે, હું ડોક્ટર પાસે મારી દીકરીને બતાવવા ગયી હતી, આ દરમ્યાન જાણ થઇ હતી કે આવા ઓપરેશનમાં સરકાર તરફથી કાનનું મશીન વિના મુલ્યે આપવામાં આવે છે અને ઓપરેશન ડોક્ટર કરતા હોય છે, જેથી મેં ગ્રુપમાં મેસેજ કર્યો હતો, જેથી રાંદેર પોલીસ મથકના લોકરક્ષક દયાબેનના ધ્યાને આ બાળક આવ્યો હતો જેથી આ બાળકને ડોક્ટર પાસે અમે લઇ ગયા હતા અને તેની સંપૂર્ણ તપાસ કરી હતી, તમામ રીપોર્ટ કરવામાં આવ્યા હતા, અંદાજીત ૬ મહિના જેટલો સમય લાગ્યો હતો, અને બાદમાં શ્રવ્ય નામની એનજીઓએ અમારી મદદ કરી હતી, હવે બાળકનું ઓપરેશન સફળ રહ્યું છે, હવે બાળક સાંભળતું થશે અને બોલતું થશે, બાળકની સારવાર કરાવવા અને આધાર કાર્ડ બનાવવા સહિતની મદદ પોલીસે કરી હતી, હું આ ટીમ અને ડોક્ટરને ખુબ અભિનંદન આપું છું,
બાળકના પરિવારે જણાવ્યું હતું કે પોલીસની ટીમ ઘરે આવીને પૂછપરછ કરી હતી અને બાળકને હોસ્પિટલ લઇ જઈને તમામ રીપોર્ટ કરાવીને સારવાર કરાવી હતી અને બાદમાં દીકરાનું ઓપરેશન કરાવ્યું હતું, દીકરાના ઓપરેશન અંગે રાંદેર પોલીસે ખુબ જ મહેનત કરી છે, દીકરાનું ઓપરેશન થઇ ગયું છે, બાળક હવે સાંભળશે, બોલશે અમે ખુબ જ ખુશ છીએ, અમે પોલીસનો ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ,
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.